Mahavir Swami 27 Bhav Stavan

(1)

શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતીમાય ;

ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય.. 1

સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય ;

જો વલી સંસારે ભમે, તો પણ મુગતે જાય… 2

વીર જિનેશ્વર સાહેબો, ભમિયો કાળ અનંત ;

પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત.. 3

(ઢાળ – પહેલી)

પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર ;

કાષ્ટ લેવા અટવી ગયો રે, ભોજનવેળા થાય રે,

પ્રાણી ! ધરિયે સમકિત રંગ, જિમ પામીયે સુખ અભંગ રે…

પ્રાણી ! ધરિયે સમકિત રંગ… 1

મન ચિત્તે મહિમાનલો રે, આવે તપસી કોય ;

દાન દેઇ ભોજન કરું રે, તો વાંછિત ફળ હોય રે… પ્રાણી …2

મારગ દેખી મુનિવરા રે, વંદે દેઇ ઉપયોગ ;

પૂછે કેમ ભટકો ઇહાં રે ? મુનિ કહે સાર્થવિયોગ રે.. પ્રાણી…3

હરખભેર તેડી ગયો રે, પડિલાભ્યા મુનિરાજ ;

ભોજન કરી કહે ચાલીએ રે, સાર્થ ભેળા કરું આજ રે…પ્રાણી..4

પગવટીયે ભેળા કર્યાં રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ ;

સંસારે ભૂલા ભમો રે, ભાવ મારગ અપવર્ગ રે… પ્રાણી…5

દેવ- ગુરુ ઓળખાવિયાં રે, દીધો વિધિ નવકાર ;

પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યો સમકિત સાર રે…. પ્રાણી… 6

શુભધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મોઝાર ;

પલ્યોપમ આયુ ચ્યવી રે, ભરત ઘરે અવતાર રે.. પ્રાણી….7

નામે મરીચિ યૌવને રે, સંયમ લીયે પ્રભુ પાસ ;

દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડિક શુભ વાસ રે… પ્રાણી…8

(ઢાળ – બીજી)

નવો વેષ રચે તેણી વેળા, વિચરે આદીશ્વર ભેળા,

જળ થોડે સ્નાન વિશેષે પગ પાવડી ભગવે વેષે… 1

ધરે ત્રિદંડ લાકડી મ્હોટી, શિર મુંડણ ને ધરે ચોટી ;

વળી છત્ર વિલેપન અંગે, થૂલથી વ્રત ઘરતો રંગે…2

સોનાની જનોઇ રાખે, સહુને મુનિમારગ ભાખે ;

સમોસરણે પૂછે નરેશ, કોઇ આગે હોશે જિનેશ… 3

જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરિચિ નામ ;

વીર નામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલા….4

ચક્રવર્તિ વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે ;

મરિચિને પ્રદક્ષિણા દેતા નમી વંદીને એમ કહેતા….5

તમે પુન્યાઇવંત ગવાશો, હરિ – ચક્રી – ચરમજિન થાશો;

નવિ વંદું ત્રિદંડિક વેષ, નમું ભક્તિયે વીરજિનેશ… 6

એમ સ્તવના કરી ઘર જાવે, મરિચિ મન હર્ષ ન માવે ;

મ્હારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ…7

અમે વાસુદેવ ધુર થઇશું, કુલ ઉત્તમ મ્હારું કહીશું ;

નાચે કુળમદશું ભરાણો, નીચગોત્ર તિહાં બંધાણો..8

એક દિન તનુ રોગે વ્યાપે, કોઇ સાધુ પાણી ન આપે ;

ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક…9

દેશના સુણી દીક્ષા વાસે , કહે મરિચિ લીધો પ્રભુ પાસે ;

રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે…10

તુમ દરશને ધરમનો વ્હેમ, સુણી ચિંતે મરિચિ એમ ;

મુજ યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો… 11

મરિચિ કહે ધર્મ ઉભયમાં , લીયે દીક્ષા યૌવન વયમાં ;

એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર ….12

લાખ ચોરાશી પૂરવ આય, પાળી પાંચમે સ્વર્ગે સિધાય ;

દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી…13

(ઢાળ – ત્રીજી)

પાંચમે ભવ કોલ્લાગસન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ ;

એંશી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી… 1

કાલ બહુ ભમીયો સંસાર, થુણાપુરી છઠ્ઠો અવતાર ;

બહોંતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય. …2

સૌધર્મે મધ્યસ્થિતિએ થયો, આઠમે ચૈત્ય સન્નિવેષે ગયો ;

અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડીયો, પૂર્વ આયુ લાખ સાઠે મૂઓ… 3

મધ્યસ્થિતિએ સુર સ્વર્ગ ઇશાન, દશમે મંદિરપુર દ્વિજઠાણ ;

લાખ છપ્પન પૂર વાયુ ધરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી…. 4

ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભવે શ્વેતાંબીપુરી ;

પૂરવલાખ ચુમ્માળીશ આય, ભારદ્વિજ ત્રિદંડીક થાય….5

તેરમે ચોથે સ્વર્ગે રમી, કાળ ઘણો સંસારે ભમી ;

ચઉદમે ભવ રાજગૃહી જાય, ચોત્રીશલાખ પૂરવનું આય… 6

થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સ્વર્ગે મરીને ગયો ;

સોળમે ભવ ક્રોડ વરસનું આય, રાજકુમાર વિશ્વભૂતિ થાય… 7

સંભૂતિમુનિ પાસે અણગાર, દુષ્કરતપ કરી વરસહજાર ;

માસખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા… 8

ગાયે હણ્યા મુનિ પડીયા વસા, વિશાખાનંદી પિત્તરિયા હસ્યા ;

ગૌશૃંગે મુનિ ગરવે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી… 9

તપ બળથી હોજો બળ ધણી, કરી નિયાણું મુનિ અણસાણી ;

સત્તરમે મહાશુક્રે સુરા, શ્રી શુભવીર સત્તરસાગરા…. 10

(ઢાળ – ચોથી)

અઢારમે ભવે સાત, સુપન સૂચિતસતી ,

પોતન પૂરીયે પ્રજાપતિ રાણી મૃગાવતી ;

તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નીપન્યા ,

પાપ ઘણું કરી, સાતમી નરકે ઉપન્યા. 1

વીશમે ભવ થઇ સિંહ, ચોથી નરકે ગયા,

તિંહાથી ચવી સંસારે, ભવ બહુલાં થયા ;

બાવીશમે નરભવ લહી, પુણ્ય દશા વર્યા,

ત્રેવીશમેં રાજધાની, મૂકાએ સંચર્યા. 2

રાયધનંજય ધારણીરાણીએ જનમિયા,

લાખચોરાશી પૂરવ આયુ જીવિઆ ;

પ્રિયમિત્ર નામે ચક્રવર્તી દીક્ષા લહી,

કોડી વરસ ચારિત્રદશા પાળી સહી…3

મહાશુક્રે થઇ દેવ ઇણે ભરતે ચ્યવી,

છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી ;

ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી,

નંદનનામે પુત્રે દીક્ષા આચરી…. 4

અગીયાર લાખને એંશી હજાર છસ્સેં વળી,

ઉપર પિસ્તાળીશ અધિક પણ દિન રુળી ;

વીશ સ્થાનક માસખમણે, જાવજ્જીવ સાધતા,

તિર્થંકર નામ કર્મ તિહાં નિકાચતા…5

લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા,

છવ્વીશમે ભવ પ્રાણતકલ્પે દેવતા ;

સાગર વીશનું જીવિત સુખભર ભોગવે,

શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો હવે…6

(ઢાળ – પાંચમી)

નયર માહણકુંડમાં વસે રે, મહાઋદ્ધિ ઋષભદત્ત નામ;

દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે,

પેટ લીધો પ્રભુ વિસરામ…1

બ્યાશી દિવસને અંતરે રે, સુરહરિણગમેષી આય;

સિદ્ધારથરાજા ઘરે રે, ત્રિશલાકૂખે છટકાય રે… 2

નવમાસાંતરે જનમીયા રે, દેવ – દેવીયે ઓચ્છવ કીધ ;

પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે… 3

સંસારલીલા ભોગવી રે, ત્રીશવર્ષે દીક્ષા લીધ ;

બાર વરસે હુઆ કેવળી રે, શિવવહુનું તિલક શિર દીધ રે… 4

સંઘ ચતુર્વિધ થાપીયો રે, દેવાનંદા – ઋષભદત્ત પ્યાર ;

સંયમ દેઇ શિવ મોકલ્યાં રે, ભગવતીસૂત્રે અધિકાર રે.. 5

ચોત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદસસહસ અણગાર,

છત્રીસસહસ તે સાધવી રે, બીજો દેવ – દેવી પરિવાર રે….6

ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ – નગર તે પાવન કીધ ;

બહોંતેરવરસનું આઉખું રે, દિવાળીયે શિવપદ લીધ રે… 7

અગુરુલઘુ અવગાહને રે, કીધો સાદિ – અનંત નિવાસ ;

મોહરાયમલ્લ મૂળશું રે, તન – મન સુખનો હોય નાશ રે.. 8

તુમ સુખ એકપ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ ;

તો અમને સુખીયા કરો રે, અમે ધરીયે તુમારી આશ રે… 9

અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ ;

લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીયે કુમતિનો લેશ રે… 10

મ્હોટાનો જે આશરો રે, તેથી પામીયે લીલ વિલાસ ;

દ્રવ્ય – ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે… 11

।। કળશ ।।

ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો ;

મેં થુણ્યો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરો ,

સંવેગ રંગ તરંગ ઝીલે, જસ વિજય સમતા ધરો ;

શુભ વિજય પંડિત ચરણ સેવક વીરવિજયો જયકરો.. 1

By admin

Leave a Reply