Mahavir Swami PanchKalyanak Stavan - શ્રી મહાવીર સ્વામી ભગવાનનું પંચકલ્યાણકનું સ્તવન
।। દુહા ।।
શાસનનાયક શિવકરણ, વંદું વીરજિણંદ ;
પંચકલ્યાણક જેહના, ગાશું ધરી આણંદ … 1
સુણતાં થુણતાં પ્રભુતણાં, ગુણ ગિરુઆ એક તાર ;
ઋદ્ધિ - વૃદ્ધિ - સુખ સંપદા, સફલ હુવે અવતાર…2
If you want to listen click below :
।। ઢાળ - 1 ।।
સાંભળજો સસનેહિ સયણાં, પ્રભુજીના ચરિત્ર ઉલ્લાસે રે ;
જે સાંભળશે પ્રભુ ગુણ તેહનાં, સમકિત નિર્મળ થાશે રે.. સાંભળજો…1
જંબુદ્વીપે દક્ષિણભરતે, વર માહણકુંડ ગામે રે,
ઋષભદત્ત બ્રાહ્મણ તસ નારી, દેવાનંદા નામે રે.. સાંભળજો…2
અષાઢ સુદિ છટ્ઠે પ્રભુજી, પુષ્પોત્તરથી ચવીયા રે ;
ઉત્તરા ફાલ્ગુની યોગે આવી, તસ કૂખે અવતરીયા રે… સાંભળજો …3
તિણ રયણી સા દેવાનંદા, સુપન ગજાદિક નિરખે રે ;
પ્રભાતે સુણી કંત ઋષભદત્ત, હૈડામાંહી હરખે રે.. સાંભળજો…4
ભાખે ભોગ અર્થ સુખ હોસ્યે, હોસ્યે પુત્ર સુજાણ રે ;
તે નિસુણી સા દેવાનંદા, કીધું વચન પ્રમાણ રે… સાંભળજો…5
ભોગ ભલા ભોગવતાં વિચરે, એહવે અચરિજ હોવે રે ;
શતક્રતુ જીવ સુરેસર હરખ્યો, અવધિ પ્રભુને જોવે રે… સાંભળજો…6
કરી વંદનને ઇન્દ્ર સન્મુખ, સાત આઠ પગ આવે રે ;
શક્રસ્તવ વિઘિસહિત ભણીને, સિંહાસન સોહાવે રે… સાંભળજો… 7
સંશય પડીયો એમ વિમાસે, જિન - ચક્રી - હરિ રામ રે ;
તુચ્છ દરિદ્ર માહણકુલ નાવે, ઉગ્ર ભોગ વિણ ધામ રે.. સાંભળજો… 8
અંતિમ જિન માહણકુલ આવ્યા, એહ અચ્છેરું કહીએ રે ;
ઉત્સર્પિણી અવસર્પિણી અનંતી, જાતાં એહવું લહીએ રે.. સાંભળજો…9
ઇણ અવસર્પિણી દશ અચ્છેરાં, થયાં તે કહીએ તેહ રે ;
ગર્ભ હરણ ગોશાલા ઉપસર્ગ, નિષ્ફળ દેશના જેહ રે… સાંભળજો…10
મૂલવિમાને રવિ- શશી આવ્યા, ચમરાનો ઉત્પાત રે ;
એ શ્રીવીરજિણેસર વારે, ઉપના પંચ વિખ્યાત રે.. સાંભળજો…11
સ્ત્રીતીર્થ મલ્લિજિન વારે, શીતલને હરિવંશ રે ;
ઋષભને અટ્ઠોત્તરસો સીધાં, સુવિધિ અસંજતિ શંસ રે… સાંભળજો…12
શંખશબ્દ મીલીયાં હરિ હરિસ્યું, નેમિસરને વારે રે ;
તિમ પ્રભુ નીય કુલે અવતરીયા, સુરપતિ એમ વિચારે રે… સાંભળજો…13
।। ઢાળ - 2 ।।
ભવ સત્તાવીશ સ્થૂલમાંહી ત્રીજે ભવે,
મરિચિ કીયો કુલ મદ ભરત યદા સ્તવે ;
નીચગોત્ર કરમ બાંધ્યું તિહાં તે થકી,
અવતરીયા માહણકુલ અંતિમ જિનપતિ… 1
અતિ અથટતું એહ થયું થાશે નહીં,
જે પ્રસવે જિન- ચક્રી નીચકુલે નહીં ;
ઇહાં મારો આચાર ધરું ઉત્તમકુલે,
હરિણગમેષી દેવ તેડાવે એટલે…2
કહે માહણકુંડ નયરે - જઇ ઉચિત કરો,
દેવાનંદા કૂખેથી પ્રભુને સંહરો,
નયર ક્ષત્રિયકુંડ રાયસિદ્ધારથ ગેહિની,
ત્રિશલા નામે ધરો પ્રભુ કુખે તેહની…3
ત્રિશલાગર્ભ લઇને ધરો માહણી ઉરે,
બ્યાસીરાત વસિને કહ્યું તિમ સુર કરે ;
માહણી દેખે સુપન જાણે ત્રિશલા હર્યા,
ત્રિશલા સુપન લહે તવ ચૌદ અલંકર્યા…4
હાથી - વૃષભ - સિંહ - લક્ષ્મી - માલા સુંદરું,
શશિ - રવિ - ધ્વજ - કુંભ પદ્મસરોવર -સાગરું ;
દેવ - વિમાન - રયણપુંજ - અગ્નિ - વિમલ હવે,
દેખે ત્રિશલા એહ કે પિયુને વિનવે…5
હરખ્યો રાય સુપન પાઠક તેડાવીયા,
રાજભોગ સુત ફલ સુણી તેહ વધાવીયા ;
ત્રિશલારાણી વિધિસ્યું ગર્ભ સુખે વહે,
માયતણે હિત હેતકે પ્રભુ નિશ્ચલ રહે…6
માય ધરે દુઃખ જોર વિલાપ ઘણું કરે,
કેહ મેં કીધાં પાપ અઘોર ભવાંતરે ;
ગર્ભ હર્યો મુજ કોણે હવે કેમ પામીએ ?
દુઃખનું કારણ જાણી વિચાર્યું સ્વામીએ…7
અહો અહો મોહ વિટંબણ જાલિમ જગતમેં,
અણદીઠે દુઃખ એવડો ઉપાયો પલકમેં,
તામ અભિગ્રહધારે પ્રભુ તે કહું,
માત - પિતા જીવતાં સંયમ નવિ ગ્રહું…8
કરુણા આણી અંગ હલાવ્યું જિનપતિ,
બોલી ત્રિશલા માત હૈયે ઘણું હસતી ;
અહો મુજ જાગ્યાં ભાગ્ય ગર્ભ મુજ સળવળ્યો,
સેવ્યો શ્રીજિનધર્મ કે સુરતરું જિમ ફલ્યો…9
સખીયો કહે શિખામણ સ્વામિની સાંભલો,
હળવે હળવે બોલો હસો રંગે ચલો ;
ઇમ આનંદે વિચરતાં દોહલા પૂરતે,
નવ મહિના ને સાડાસાત દિવસ થતે…10
ચૈત્ર તણી સુદ તેરસ નક્ષત્ર ઉત્તરા (ફા.),
જોગે જન્મ્યા વીર કે તવ વિકસી ધરા ;
ત્રિભુવન થયો ઉદ્યોત કે રંગ વધામણાં,
સોના- રુપાની વૃષ્ટિ કરે ઘેર સુર ઘણાં…11
આવી છપ્પનકુમારી કે ઓચ્છવ પ્રભુતણે,
ચલ્યું રે સિંહાસન ઇન્દ્ર કે ઘંટા રણઝણે ;
મળી સુરની કોડ કે સુરપતિ આવીયો,
પંચરુપ કરી પ્રભુને સુરગિરિ લાવીયો…12
એક ક્રોડ સાઠ લાખ કલશ જલશું ભર્યાં,
કિમ સહેસ્યે લઘુવીર કે ઇન્દ્ર સંશય ધર્યાં ;
પ્રભુ અંગુઠે મેરુ ચાંપ્યો અતિ ગડગડે,
ગડગડે પૃથ્વી લોક જગતના લડથડે…13
અનંત બળી પ્રભુ જાણી ઇન્દ્રે ખમાવીઓ,
ચાર વૃષભનાં રુપ કરી જલ નામીઓ ;
પૂજી અરચી પ્રભુને માય પાસે ધરે,
ધરી અંગૂઠે અમૃત ગયા નંદીશ્વરે…14
।। ઢાળ - 3 ।। (રાગ - હમચડીની તેશી)
કરી મહોચ્છવ સિદ્વારથભૂપ, નામ કરે વર્ધમાન,
દિનદિન વાધે પ્રભુ સુરતરુ, જિમ રુપકલા અસમાન રે.. હમચડી…1
એક દિન પ્રભુજી રમવા કારણ, પુર બાહિર જબ જાવે ;
ઇન્દ્ર મુખે પ્રશંસા સુણી તિહાં, મિથ્યાત્વીસુર આવે રે… હમચડી…2
અહિરુપે વિંટાણો તરુસ્યું, પ્રભુ નાખ્યો ઉછાલી ;
સાત તાડનું રુપ કર્યું તવ, મુઠે નાખ્યો વાલી રે… હમચડી…3
પાયે લાગીને તે સુર ખામે, નામ ધરે મહાવીર ;
જેવો ઇન્દ્રે વખાણ્યો સ્વામી, તેવો સાહસ ધીર રે… હમચડી…4
માતા-પિતા નિશાળે મૂકે, આઠ વરસના જાણી ;
ઇન્દ્રતણાં તિહાં સંશય ટાળ્યા, નવ વ્યાકરણ વખાણી રે… હમચડી…5
અનુક્રમે યૌવન પામ્યા પ્રભુજી, વર્યા યશોદારાણી ;
અઠ્ઠાવીશ વરસે પ્રભુનાં માત - પિતા નિર્વાણી રે… હમચડી…6
દોયવરસ ભાઇને આગ્રહ, પ્રભુ ગૃહવાસે વસીયા ;
ધર્મપંથ દેખાડો ઇમ કહે, લોકાંતિક ઉલ્લસીયા રે… હમચડી…7
એક ક્રોડ આઠ લાખ સૌનૈયા, દિન દિન પ્રભુજી આપે ;
ઇમ સંવચ્છરી દાન દઇને જગનાં દારિદ્ર કાપે રે… હમચડી…8
છાંડયા રાજ અંતેઉર પ્રભુજી, ભાઇએ અનુમતિ દીધી ;
મૃગશિરવાદિ દશમી ઉત્તરાયે, વીરે દીક્ષા લીધી રે…હમચડી…9
ચઉનાણી તિણદિનથી પ્રભુજી, વરસ દિવસ ઝાઝે રે ;
ચીવરઅર્ધ બ્રાહ્મણને આપ્યું, ખંડ ખંડ બે ફેરે રે… હમચડી…10
ઘોર પરિષહ સાડાબારે, વરસે જે જે સહીયા ;
ઘોર અભિગ્રહ જે જે ધરિયા, તે નવિ જાયે કહીયા રે… હમચડી…11
શૂલપાણિ ને સંગમદેવે, ચંડકોશી ગોશાલે ;
દીધું દુઃખ ને પાયસ રાંધી, પગ ઉપર ગોવાલે રે… હમચડી…12
કાને ગોપે ખીલા માર્યા, કાઢતાં મૂકી રાટી;
જે સાંભળતાં ત્રિભુવન કંપ્યાં, પર્વત શીલા ફાટી રે.. હમચડી…13
તે તે દુષ્ટ સહુ ઉદ્ધરિયા, પ્રભુજી પર ઉપગારી ;
અડદતણા બાકુલા લઇને, ચંદનબાલા તારી રે… હમચડી… 14
દોય છ માસી નવ ચઉમાસી, અઢી માસી ત્રણ માસી ;
દોઢ માસી બે બે કીધાં, છ કીધાં બે માસી રે… હમચડી…15
બાર માસ ને પખ બ્હોંતેર, છટ્ઠ બસેં ઓગણત્તીસ વખાણું ;
બાર અઠ્ઠમ ભદ્રાદિ પ્રતિમા, દિન દોય ચાર દશ જાણું રે.. હમચડી…16
ઇમ તપ કીધાં બારે વરસે, વિણ પાણી ઉલ્લાસે ;
તેમાં પારણાં પ્રભુજીએ કીધાં, ત્રણસેં ઓગણપચાસ રે… હમચડી… 17
કર્મ ખપાવી વૈશાખમાસે, સુદ દશમી શુભ જાણ ;
ઉત્તરાયોગ શાલિવૃક્ષ તળે, પામ્યા કેવલનાણ રે… હમચડી…18
ઇન્દ્રભૂતિ આદિ પ્રતિબોધ્યા, ગણધરપદવી દીધી ;
સાધુ - સાધ્વી - શ્રાવક - શ્રાવિકા, સંઘ સ્થાપના કીધી રે.. હમચડી…19
ચઉદ સહસ અણગાર સાધવી, સહસ છત્રીસ કહીજે ;
એક લાખને સહસ ગુણસટ્ઠિ, શ્રાવક શુદ્ધ કહીજે રે… હમચડી…20
તીનલાખ અઢાર સહસ વલી, શ્રાવિકા સંખ્યા જાણી ;
ત્રણસેં ચૌદ પૂરવધારી, તેરસેં ઓહિનાણી રે… હમચડી…21
સાતસયાં તે કેવલનાણી, લબ્ધિધારી પણ તેટલા ;
વિપુલ મતિયા પાંચસે કહીયાં, ચારસેં વાદી જીત્યા રે… હમચડી…22
સાતસેં અંતેવાસી સિધ્યા, સાધવી ચૌદસેં સાર ;
દિનદિન તેજ સવાયે દીપે, એ પ્રભુજીનો પરિવાર રે… હમચડી…23
ત્રીસ વરસ ઘરવાસે વસીયા, બાર વરસ છદ્મસ્થે ;
ત્રીસ વરસ કેવલ બેંતાલીશ, વરસ શ્રમણાવસ્થે રે.. હમચડી…24
વરસ બ્હોંતેર કેરું આયુ, વીરજિણંદનું જાણો ;
દીવાલી દિન સ્વાતિ નક્ષત્રે, પ્રભુજીનું નિર્વાણ રે… હમચડી…25
પંચકલ્યાણક એમ વખાણ્યા, પ્રભુજીના ઉલ્લાસે ;
સંઘતણે આગ્રહ હરખ ભરીને, સુરત રહી ચોમાસું રે… હમચડી…26
।। કળશ ।।
ઇમ ચરમ જિનવર, સયલ સુખકર, થુણ્યો અતિ ઉલટ ધરી,
અષાઢ ઉજ્જવલ પંચમી દિન, સંવત શત ત્રિહોત્તરે ;
ભાદરવા સુદ પડવા તણે દિન, રવિવારે ઉલટ ભરે ;
(વિમલ વિજય ઉવજ્ઝાય પંકજ, ભ્રમર સમ શુભ શિષ્ય એ )
રામવિજય જિનવર નામે, લહે અધિક જગીશ એ…

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

