વીર જિનેશ્વર કેરો શિષ્ય,
ગૌતમ નામ જપો નિશદિન ;
જો કીજે ગૌતમનું ધ્યાન,
તો ઘર વિલસે નવે નિધાન…. 1
વીર જિનેશ્વર……
ગૌતમ નામે ગિરિવર ચઢે,
મન વાંછિત હેલા સંપજે ;
ગૌતમ નામે નાવો રોગ,
ગૌતમ નામે સર્વ સંયોગ….2
વીર જિનેશ્વર…..
જે વૈરી વીરુઆ વંકડા,
તસ નામે નાવે ઢુંકડા ;
ભૂત પ્રેત નવી મંડે પ્રાણ,
તે ગૌતમ ના કરું વખાણ…..3
વીર જિનેશ્વર….
ગૌતમ નામે નિર્મળ કાય,
ગૌતમ નામે વાધે આય ;
ગૌતમ જિન શાસન શણગાર,
ગૌતમ નામે જયજયકાર….4
વીર જિનેશ્વર….
શાળ દાળ સુરહા ઘૃત ગોલ,
મનવાંછિત કાપડ તંબોલ ;
ઘરસુઘરની નિર્મળ ચિત્ત,
ગૌતમ નામ પુત્ર વિનીત…. 5
વીર જિનેશ્વર….
ગૌતમ ઉદયો અવિચલ ભાણ,
ગૌતમ નામ જપો જગ જાણ ;
મોટા મંદિર મેરુ સમાન,
ગૌતમ નામે સફળ વિહાણ…..6
વીર જિનેશ્વર….
ઘર મયગલ ઘોડાની જોડ,
વારું પહોંચે વાંછિત કોડ ;
મહીયલ મને મોટા રાય,
જો તુઠે ગૌતમ ના પાય….7
વીર જિનેશ્વર…..
ગૌતમ પ્રણમ્યાં પાતક ટળે,
ઉત્તમ નરની સંગત મળે ;
ગૌતમ નામે નિર્મળ જ્ઞાન,
ગૌતમ નામે સફળ વાધે વાન….8
વીર જિનેશ્વર……
પુણ્ય વંત અવધારો સહુ,
ગુરુ ગૌતમ ના ગુણ છે બહુ ;
કહે લાવણ્ય સમય કરજોડ,
ગૌતમ ત્રુઠે સંપત્તિ ક્રોડ…..9
વીર જિનેશ્વર….