પ્રભુ પાર્શ્વ પ્રગટ પ્રભાવી,
તુજ મૂરતિ મુજ મના ભાવી,
મન મોહના જિનરાયા,
સુર નર કિન્નર ગુણ ગાયા,
જે દિનથી મૂરતિ દીઠી,
તે દિનથી આપદા નીઠી…(1)
મટકાળું મુખ પ્રસન્ન,
દેખત રીઝે ભવિ મન્ન,
સમતા રસ કેરા કચોળા,
નયણા દીઠે રંગરોળા….(2)
હાયે ન ધરે હથિયાર,
નહીં જયમાળાનો પ્રચારે,
ઉત્સંગે ન ધરે વામા,
જેહથી ઉપજે સવિ કામા…..(3)
ન કરે ગીત નૃત્યના ચાળા,
એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા,
ન બજાવે આપે વાજા,
ન ધરે વસ્ત્ર જીરણ સાજા…. (4)
ઇમ મૂરતિ તુજ નિરુયાધિ,
વીતરાગ પણે કરી સાધી,
કહે માનવિજય ઉવજ્ઝાયા,
મેં અવલંબ્યા તુજ પાયા રે….(5)