- જૈન શાસનમાં નવ સ્મરણોનું મહાત્મય અધિકાધિક ગણાયું છે. જ્ઞાની ભગવંતોએ તેને ‘સુપર પાવર ટોનિક’ નું નામ આપેલ છે.
- આ ‘નવ સ્મરણો’ માં આવતા સ્મરણ / સ્તોત્રો વિષે સહુ પ્રથમ દ્રષ્ટિપાત કરીએ.
- સુપર ટોનીકના પ્રભાવ / પાવરઃ જૈન શાસનના આ પ્રગટ પ્રભાવી એવા નવ સ્મરણોના પ્રત્યેક પ્રભાવ વિષે આગળ જોઇએ.
1 શ્રી નવકાર મહામંત્રઃ
- જ્ઞાની ભગવંતોએ આ મંત્રને શાશ્વતો બતાવ્યો છે.
- જિનશાસનના તમામ મહાત્મા (અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો) ઓને ભાવપૂર્ણ રીતે વંદના કરવામાં આવેલ છે.
- આ મંત્રના એક એક શબ્દ પ્રગટ પ્રભાવી હોઇ તેના શ્રવણ માત્રથી અનેકાનેક જીવો ભવ્ય શાતા અને સદગતિને પામ્યાના દાખલા ઓ મોજુદ છે.
- આ મહા મંગલકારી મંત્રના કિર્તન અને આરાધનાએ અનેક આત્માના માટે કલ્યાણકારી બનીને તેઓના આત્માને કલ્યાણ પ્રદાન કરેલ છે અને વાસ્તવિક ફળથી વાંછિત બનેલ છે.
- અને તેથી જ આ મહામંત્રને જૈન ધર્મનો પ્રાણ કહેવાય છે.
2. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રઃ
- આ સ્તોત્રમાં 23 મા તીર્થંકર શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરવામાં આવેલ છે.
- ભગવાન મહાવીરની પાટના 14 પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી આ સ્તોત્રના રચયિતા છે.
- આ સ્તોત્ર એવું તો ચમત્કારિક અને પ્રભાવી છે કે, તેનું વર્ણન કરવાની સમર્થતા ઇન્દ્રમાં પણ નથી.
- આ સ્તોત્રના નિત્ય પઠન અને શ્રવણથી તમામ પ્રકારના ભયનું નિવારણ થાય છે તથા મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
3. શ્રી સંતિકરમ્ સ્તોત્રઃ
- નવ સ્મરણનું આ ત્રીજું સ્તોત્ર તપાગચ્છ નાયક શ્રીમદ્ મુનિસુંદરસ્વામીએ રચેલ છે, જેમાં જૈન શાસનના તમામ દેવ દેવીઓ, વિદ્યાધરો, યક્ષયક્ષિણીઓનો બખુબી ઉલ્લેખ થયેલ છે.
- જેની 14મી ગાથાનું વર્ણન મહાપ્રભાવી દર્શાવેલ છે.
- પૂર્વમાં થયેલા અનેક પ્રકારની આધિ, વ્યાધી અને ઉપાધિઓનો નાશ કરવા તથા સકલ જીવોની અનંત શાતા અને કલ્યાણ માટે આ સ્તોત્રની રચના કરવામાં આવેલ હતી.
- આ સ્તોત્રનું ત્રિકાળ સ્મરણ કરવાથી સર્વ વ્યાધિઓના નાશ સાથે સુલભ બોધીપણાની પ્રાપ્તિ થાય છે.
4. શ્રી તિજયપહુત્ત સ્તોત્રઃ
- પૂર્વમાં શ્રી સંઘમાં વ્યંતરો દ્વારા થયેલા ભયંકર ઉપદ્રવોના શમન અને નિવારણ માટે આ સ્તોત્રની રચના શાસનના પરમ ઉપકારી શ્રીમદ્ માનદેવસૂરિએ કરેલ હતી.
- આ સ્તોત્રમાં ઉત્કૃષ્ટ 170 તીર્થંકર પરમાત્માઓની અનન્ય સ્તુતિ કરવામાં આવેલ છે.
- આજે પણ આ સ્તોત્ર અનેક પ્રકારના ઉપદ્રવના નિવારણ માટે ખૂબ જ અસરકારક અને ફળદાયી સિધ્ધ થયેલ છે.
5. શ્રી નમિઉણ સ્તોત્રઃ
- આ મહા ચમત્કારિક, ભયનાશક અને મહાન સ્તોત્રના રચયિતા બૃહદગચ્છીય આચાર્ય ભગવંત શ્રીમદ્ માનતુંગસૂરિ છે.
- આ સ્તોત્રમાં 23 મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની વંદના કરાયેલ છે.
- આ સ્તોત્રના પ્રભાવથી તમામ પ્રકારના ઉપદ્રવો અને ભયનું નિવારણ થતું હોઇ આ સ્તોત્રને ‘ભયહરમ્ સ્તોત્ર’ પણ કહેવાય છે.
- આ સ્તોત્રના સ્મરણ અને આરાધનાથી દીર્ઘકાલીન સુખથી મનોહર મોક્ષની પ્રાપ્તિ થાય છે.
6. અજિતશાંતિ સ્તોત્રઃ
- આ સ્તોત્રની રચના માટે બે મત છે.
- તેના રચયિતા શ્રી નંદીષેણસૂરિ છે.
- જેઓ એક મત અનુસાર ભગવાન મહાવીરના શાસનના હોવાનું મનાય છે, તો અન્ય મતે ભગવાન નેમિનાથના શિષ્ય હોવાનું પણ મનાય છે.
- આ સ્તોત્રની રચના શ્રી સિદ્ધાયલ શેત્રુંજય તીર્થ પર થયેલ હોવાનો ઉલ્લેખ છે.
- શ્રી શેત્રુંજય તીર્થ ઉપર આ ભગવાનનાં દેહરાં સામસામાં હતા, પણ આ સ્તવન પ્રથમ વખત બોલાતી વખતે તે એક હારમાં આવી ગયા.
- આ સ્તોત્રની એક એક ગાથામાં ક્રમશઃ શાંતિનાથ અને અજિતનાથ પ્રભુની સ્તવના કરવામાં આવેલ છે.
- પ્રાકૃત ભાષાના આ કર્ણપ્રિય સ્તોત્રમાં વિવિધ રાગ અને છન્દોથી પ્રત્યેક ગાથામાં પ્રભુનું અનુપમ વર્ણન થયેલ છે.
- આ સ્તોત્રના શ્રવણથી રોગ અને શત્રુના ઉપદ્રવોનું શમન થાય છે.
- વર્તમાનમાં આ સ્તોત્રનું પાક્ષિક (પક્ખી), ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં શ્રવણ થાય છે.
7. ભક્તામર સ્તોત્રઃ
- આ સ્તોત્ર વર્તમાનમાં અતિ લોકપ્રિય અને તમામ સ્થળોએ સાંભળવા મળે છે.
- સમગ્ર સ્તોત્રની રચના ‘વસંતતિલકા’ રાગમાં હોઇ તે કર્ણપ્રિય હવા ઉપરાંત લોકભોગ્ય પણ છે.
- આ સ્તોત્રના કર્તા આચાર્ય શ્રી માન્તુંગસૂરિએ પ્રત્યેક ગાથામાં ભગવાન આદિનાથના અલંકારિક ભાષામાં શોભા, આભના અને પ્રભાવને વિશિષ્ટરીતે વર્ણવેલ છે.
- આ આચાર્ય મહારાજને જ્યારે કોઇ રાજાએ (શ્રી હર્ષ રાજાએ) તેમની શક્તિ પરીક્ષા માટે 48 બેડીઓ પહેરાવી હતી, ત્યારે આ આચાર્ય મહારાજ જેમ જેમ શ્લોકો રચતા ગયા તેમ તેમ તે બેડીઓ તુટતી ગઇ.
- આથી જૈન ધર્મની ઉન્નતી થઇ અને રાજા જૈન ધર્મમાં પ્રીતિ વાળો થયો.
- આ સ્તોત્ર ચમત્કારિક અને પ્રભાવશાળી હોઇ પાપ રુપી અંધકારનો નાશ કરનાર પણ છે.
8. કલ્યાણ મંદિર સ્તોત્રઃ
- શ્રીમદ્ સિધ્ધસેન દિવાકરસૂરિએ રચેલું આ શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર (સ્તવન) છે.
- શ્રી ઉજ્જયિની નગરીમાં મહાકાળ નામના જૈન મંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હતી, જેને બ્રાહ્મણોએ શિવલિંગ પધરાવી ઢાંકી દીધી હતી.
- બાદ આ સ્તોત્ર રચ્યું તેનો 11મો શ્લોક રચતાં તે લિંગ ફાટ્યું અને પ્રતિમાજી પ્રગટ થયાં.
- અને ભણવાથી સર્વ પ્રકારનાં વિધ્નો નાશ પામે છે અને સુખ મળે છે.
9. બૃહદ શાંતિ સ્તોત્રઃ
- સુપર ટોનિક સમા ‘નવ સ્મરણ’ માં સહુથી છેલ્લા ક્રમે પ્રકાશવા આવતું આ અદ્ભુત સ્તોત્ર છે.
- સામાન્યપણે આ સ્તોત્ર ‘મોટી શાંતિ’ ના નામે જાણીતું છે.
- ભગવાન જન્મે છે ત્યારે તેમને મેરુપર્વત ઉપર ન્હવરાવવા ઇન્દ્રો અને દેવતાઓ લઇ જાય છે.
- ત્યાં તેમને ન્હવરાવ્યાં પછી તેઓ શાંતિપાઠ બોલે છે.
- આની અંદર અનેક જીવોની અનેક પ્રકારે શાંતિ ઇચ્છવામાં આવી છે.
- આને શ્રી નેમિનાથ પ્રભુની માતા શિવાદેવીએ દેવીપણામાં રચેલી છે તેમ કહેવાય છે.
- દરેક ધાર્મિક અનુષ્ઠાનોમાં તથા સકલ સંઘની શાંતિ માટે આ સ્તોત્રનો ઉપયોગ અવારનવાર અને બહુઘા થાય છે.
- આ સ્તોત્રનું પાક્ષિક (પક્ખી) , ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ શ્રવણ થાય છે.
આ તમામ નવ સ્તોત્રો જૈન શાસનના સર્વોત્તમ બહુમુલ્ય અને ચમત્કારિક સ્તોત્રો છે. જે પુણ્ય રુપી શરીરનું ઉત્પન્ન કરનારા છે. આત્માની ઉન્નતી અને પાવન કરનારા આ સ્તોત્રો મોક્ષગામી પણ છે.