Rajnagar Prashnottari (રાજનગર પ્રશ્નોત્તરી)
મૌખિક ધોરણ - 1
સવાલ 1 - તમે કોણ છો ?
જવાબ.1 અમે જૈન છીએ.
સવાલ 2 - તમે કયો ધર્મ પાળો છો ?
જવાબ 2 અમે જૈન ધર્મ પાળીએ છીએ.
સવાલ 3 - જૈન કોને કહેવાય ?
જવાબ 3 - શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માને તેને જૈન કહેવાય.
સવાલ - 4 જૈન ધર્મ એટલે શું ?
જવાબ - 4 શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલો ધર્મ.
સવાલ 5 - શ્રી જિનેશ્વર ભગવાન કોને કહેવાય ?
જવાબ 5 - જેમણે રાગ - દ્વેષ જીત્યા હોય, જેમનામાં સર્વ ગુણો હોય અને એક પણ દોષ ન હોય તેમને શ્રી જિનેશ્વર ભગવાન કહેવાય.
સવાલ 6 - જૈન ધર્મના બીજાં નામો કયા કયા છે ?
જવાબ 6 - જૈન ધર્મનાં દયાધર્મ, સ્યાદ્વાદધર્મ, આર્હત્ ધર્મ વગેરે બીજા નામો છે.
સવાલ - 7 શ્રી જિનેશ્વર ભગવાન કેટલા થયા છે ?
જવાબ - 7 આ અવસર્પિણીમાં શ્રી જિનેશ્વર ભગવાન ચોવીસ થયા છે.
સવાલ - 8 શ્રી જિનેશ્વર ભગવાનનાં બીજા નામો આપો.
જવાબ - 8 અરિહંત, તીર્થંકર, વીતરાગ, જિનેશ્વર , પરમાત્મા, ભગવાન, દેવાધિદેવ વગેરે.
સવાલ 9 દહેરાસરમાં પેસતાં શું બોલવું ? અને પ્રભુ નજરે પડે ત્યારે શું બોલવું ?
જવાબ 9 - દહેરાસરમાં પેસતાં ત્રણ વાર નિસીહિ અને પ્રભુ નજરે પડે ત્યારે બે હાથ જોડીને મસ્તક નમાવીને ‘નમો જિણાણં’ બોલવું.
સવાલ 10 - ગુરુ મહારાજ મળે ત્યારે શું બોલવું ?
જવાબ 10 - બે હાથ જોડીને મસ્તક નમાવીને ‘મત્થએણ વંદામિ’ બોલવું.
મૌખિક ધોરણ - 2
સવાલ 11 - હાલમાં કોનું શાસન ચાલે છે ?
જવાબ 11 - હાલમાં ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માનું શાસન ચાલે છે.
સવાલ 12 - તત્વ કેટલાં છે ? અને તે કયા કયા છે ?
જવાબ 12 - તત્વ ત્રણ છે. (1) દેવ (2) ગુરુ (3) ધર્મ
સવાલ 13 - દેવ એટલે શું ?
જવાબ 13 - દેવ એટલે જેનામાં સર્વ ગુણો હોય અને એક પણ દોષ ન હોય તે.
સવાલ 14 - ગુરુ એટલે શું ?
જવાબ 14 - ગુરુ એટલે પાંચ મહાવ્રતો પાળે તે.
સવાલ 15 - મહાવ્રતો એટલે શું ? તે કેટલાં છે ? અને કયા કયા છે ?
જવાબ 15 - મહાવ્રતો એટલે મોટા વ્રત (પાળવામાં કઠિન વ્રત) તે પાંચ છે. (1) જીવદયા પાળવી (જીવહિંસા ન કરવી) (2) સાયું બોલવું (જૂઠ્ઠું ન બોલવું) (3) ચોરી ન કરવી. (4) શિયળ પાળવું (5) પૈસા ટકા ન રાખવા.
સવાલ 16 - ધર્મ એટલે શું ?
જવાબ 16 - જીવને દુર્ગતિમાં જતો અટકાવી સારી ગતિમાં લઇ જાય અને પરંપરાએ મોક્ષ પમાડે તે..
સવાલ 17 - શ્રાવક એટલે શું ?
જવાબ 17 - શ્રાવક એટલે શ્રી જિનેશ્વર ભગવાનનાં વચનો ઉપર શ્રદ્ધા રાખે, વિનય - વિવેક કરે, અને દર્શન , પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરે તથા દેવ - ગુરુની ભક્તિ વગેરે કરે તે..
સવાલ 18 - શ્રાવક શબ્દનો અર્થ આપો.
જવાબ 18 - ‘શ્ર’ - અક્ષરથી શ્રદ્ધા રાખે, ‘વ’ - અક્ષરથી વિનય વિવેક કરે. ‘ક’ - અક્ષરથી ક્રિયા કરે.
સવાલ 19 - નવકારમંત્રના કેટલા અક્ષરો છે ? તેમાં સાત અક્ષરો, પાંચ અક્ષરો, આઠ અક્ષરો અને નવ અક્ષરો કયા કયા પદોના છે ?
જવાબ 19 - નવકારમંત્રના 68 અક્ષરો છે. તેમાં પહેલા, ત્રીજા અને ચોથા પદના સાત અક્ષરો, બીજા પદના પાંચ અક્ષરો, પાંચમા અને નવમાં પદના નવ અક્ષરો તેમજ છઠ્ઠા, સાતમા અને આઠમા પદના આઠ અક્ષરો છે.
સવાલ 20 - શ્રી નવકાર મંત્રનું ક્યારે સ્મરણ કરાય છે ?
જવાબ 20 - આ મહામંત્ર ઉપદ્રવની શાન્તિ માટે, તેમજ માંગલિક માટે સ્મરણ કરાય છે. ઉત્તમ મનુષ્યો સૂતાં, બેસતાં, ઊઠતાં, બોલતાં, ચાલતાં તેમજ કોઇ પણ કાર્ય કરતાં રાત્રે અગર દિવસે સર્વ સ્થળે આ નવકાર મંત્રને યાદ કરે છે.
સવાલ 21 - સામાયિક એટલે શું ?
જવાબ 21 - સામાયિક એટલે સમતાનો લાભ, જેનાથી જૂનાં બંધાયેલાં કર્મો નાશ પામે અને નવાં કર્મો બંધાતાં અટકી જાય, એવી શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલી ક્રિયા.
સવાલ 22 - સામાયિકનો કાળ કેટલો ?
જવાબ 22 - 48 મિનિટનો, પોણો કલાક અને ત્રણ મિનિટનો અથવા બે ઘડીનો.
સવાલ 23 - શ્રી જિનપૂજા પ્રભુના કયા કયા નવ અંગે થાય છે ?
જવાબ 23 - (1) જમણા અને ડાબા પગના અંગૂઠે (2) જમણા અને ડાબા ઢીંચણે (3) જમણા અને ડાબા કાંડે (4) જમણા અને ડાબા ખભે (5) મસ્તકે (શિખાએ) (6) કપાળે (7) કંઠે (8) હ્યદયે (9) નાભિએ
સવાલ 24 - પ્રભુને નવ અંગે પૂજા કરવાનું શું કારણ ?
જવાબ 24 - પ્રભુ નવ તત્વના ઉપદેશક છે અને એ નવ તત્વોમાં દુનિયામાં સર્વ તત્વોનો સમાવેશ થાય છે, માટે પ્રભુને નવ અંગે પૂજા કરવી જોઇએ.
સવાલ 25 - પ્રભુદર્શન કેવી રીતે કરવાં જોઇએ?
જવાબ 25 - સંસારના વિચારોનો ત્યાગ કરી, બે હાથ જોડી, માથું નમાવી, પ્રભુની સમક્ષ દ્રષ્ટિ રાખીને, પ્રભુના ગુણો યાદ કરવાપૂર્વક પ્રભુદર્શન કરવા જોઇએ.
સવાલ 26 - જૈનને ઓળખવાનું પ્રગટ ચિહ્ન શું ?
જવાબ 26 - કેસરનો ચાંલ્લો, રાત્રિભોજનનો ત્યાગ અને કંદમૂળનો ત્યાગ.
સવાલ 27 - ચાંલ્લો શા માટે કરવો જોઇએ ?
જવાબ 27 - શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માથે ચઢાવું છું, તે સૂચવવા માટે ચાંલ્લો કરવો જોઇએ.
સવાલ 28 - પ્રભુને ત્રણ પ્રદક્ષિણા શા માટે દેવી જોઇએ ?
જવાબ 28 - દર્શન, જ્ઞાન અને ચારિત્ર - એ ત્રણની પ્રાપ્તિ માટે સંસારના ચોરાશી લાખ ફેરા ટાળવા માટે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેવી જોઇએ.
સવાલ 29 - આપણા તીર્થોના નામ આપો.
જવાબ 29 - શ્રી શત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, અચલગઢ, સમ્મેતશિખર, શંખેશ્વર, કુંભારીયાજી, મક્ષીજી, અંતરિક્ષ પાર્શ્વનાથ, તારંગાજી, રાણકપુર, ભોયણી, પાવાપુરી, ચંપાપુરી, કેશરીયાજી, પાનસર, શેરીસા વગેરે.
સવાલ 30 - આપણાં પર્વોના નામ આપો, અને તે ક્યારે ક્યારે આવે છે ? તે જણાવો.
જવાબ 30 - (1) પર્યુષણ - શ્રાવણ વદ 12 થી ભાદરવા સુદ 4 સુધી.
(2) આયંબિલની શાશ્વતી ઓળી - આસો સુદ 7 થી 15 સુધી નવ દિવસ અને ચૈત્ર સુદ 7 થી 15 સુધીના નવ દિવસ
(3) જ્ઞાન પાંચમ - કારતક સુદ 5
(4) મૌન અગિયારસ - માગશર સુદ 11
(5) ચોમાસી ચૌદસ - ત્રણ છે (1) કારતક સુદ 14, (2) ફાગણ સુદ 14 (3) અષાઢ સુદ 14
(6) કારતક સુદ 15 - શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવી, અગર શત્રુંજય આદિ મહાતીર્થવા પટોનાં દર્શન કરવા જવું.
(7) ચૈત્ર સુદ 15 - શ્રી ઋષભદેવ પ્રભુના ગણધર શ્રી પુંડરીકસ્વામી પાંચ ક્રોડ મુનિવરો સાથે મોક્ષે ગયા
(8) મેરુતેરસ - પોષ વદ 13 શ્રી ઋષભદેવ પ્રભુનું મોક્ષ કલ્યાણક
(9) પોષ દશમ - માગશર વદ 10 શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક
(10) અખાત્રીજ - વૈશાખ સુદ 3 - શ્રી ઋષભદેવ પ્રભુને શ્રેયાંસકુમારે શેરડીના રસથી પારણું કરાવ્યું, બીજું નામ અક્ષય તૃતીયા
(11) ચૈત્ર સુદ 13 - મહાવીર પ્રભુનો જન્મદિવસ
(12) આસો વદ અમાસ - મહાવીર પ્રભુનો નિર્વાણ દિવસ - દિવાળીની રાત્રે
મૌખિક ધોરણ - 3
સવાલ 31 - પ્રતિક્રમણ એટલે શું ?
જવાબ 31 - પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવું. પાપ ધોવાઇ જાય - પાપનો નાશ થાય તેવી જ્ઞાની ભગવંતોએ બતાયેલી મહાન ક્રિયા.
સવાલ 32 - પ્રતિક્રમણ શા માટે કરવું જોઇએ ?
જવાબ 32 - દિવસનાં કે રાત્રિનાં થયેલા પાપોનો નાશ કરવા પ્રતિક્રમણ કરવું જોઇએ.
સવાલ 33 - પ્રતિક્રમણ કેટલાં છે ? અને તે કયા - કયા છે ?
જવાબ 33 - પ્રતિક્રમણ પાંચ છે - (1) દેવસિ (2) રાઇ (3) પક્ખિ (4) ચૌમાસી (5) સંવચ્છરી
સવાલ 34 - પાંચ પ્રતિક્રમણ વર્ષમાં કેટલી વખત થાય ?
જવાબ 34 - સંવત્સરી પ્રતિક્રમણ વર્ષમાં એકવાર ભાદરવા સુદ 4 ના દિવસે થાય. ચૌમાસી પ્રતિક્રમણ વર્ષમાં ત્રણ વાર - કારતક સુદ 14, ફાગણ સુદ 14 અને અષાઢ સુદ 14 ના દિવસે થાય છે. પક્ખિ પ્રતિક્રમણ વર્ષમાં એકવીસ વાર ચૌમાસી સિવાયની સુદ ચૌદસોએ તથા બધી વદ ચૌદસોએ થાય. દેવસી પ્રતિક્રમણ થાય ઉપરના 25 દિવસ સિવાય બાકી ના બઘા દિવસે રોજ સાંજે અને રાઇ પ્રતિક્રમણ વર્ષના સર્વ દિવસોએ રોજ સવારે કરવામાં આવે છે.
સવાલ 35 - રાત્રિભોજન કરવાથી શું નુકશાન થાય છે?
જવાબ 35 - રાત્રિભોજન કરવાથી જિનાજ્ઞા ભંગનો મહાન દોષ લાગે છે અને શુભ પરિણામનો હ્રાસ થાય છે. વળી પરભવમાં કાગડા, ઘુવડ, ગીધ, બિલાડી, શિયાળ, સાપ, વીંછી અને ગરોળી જેવા દુષ્ટ અવતાર પ્રાપ્ત થાય છે. અહીં પ્રત્યક્ષ પણ ઘણાં નુકસાન થાય છે. ભોજનમાં કીડી આવી જવાથી બુદ્ધિનો નાશ થાય છે. જુ થી જલોદરનો રોગ થાય છે. માખીથી ઊલટી થઇ જાય છે. કરોળિયો કોઢ રોગ કરે છે. આ તથા બીજા ઘણા દોષો અને અપચો વગેરે રોગો થાય છે. માટે કદી પણ રાત્રિભોજન કરવું નહિ.
સવાલ 36 – અઠ્ઠાઇ એટલે શું ? તે કેટલી છે ? તે કઇ કઇ ? અને શેની શેની કહેવાય?
જવાબ 36 – ધર્મની વિશેષ આરાધના કરવાના દિવસો અઠ્ઠાઇ કહેવાય છે. તે 6 છે. તે નીચે પ્રમાણે છે.
-
કારતક સુદ 7 થી કારતક સુદ 15 સુધીની.. કારતક ચોમાસાની.
-
ફાગણ સુદ 7 થી ફાગણ સુદ 15 સુધીની.. ફાગણ ચોમાસાની..
-
ચૈત્ર સુદ 7 થી ચૈત્ર સુદ 15 સુધીની.. આયંબિલની ઓળીની..
-
અષાઢ સુદ 7 થી અષાઢ સુદ 15 સુધીની.. અષાઢ ચોમાસાની..
-
શ્રાવણ વદ 12 થી ભાદરવા સુદ 4 સુધીની.. પર્યુષણની..
-
આસો સુદ 7 થી આસો સુદ 15 સુધીની.. આયંબિલની ઓળીની..
સવાલ 37 – પાંચ પરમેષ્ઠિનાં નામ આપો.
જવાબ 37 – પાંચ પરમેષ્ઠી – (1) અરિહંત (2) સિદ્ધ (3) આચાર્ય (4) ઉપાધ્યાય (5) સાધુ
સવાલ 38 – નવપદનાં નામ, ગુણ અને રંગ કહો.
જવાબ 38 – (1) અરિહંત – 12 ગુણ – ધોળો
(2) સિદ્ધ – 8 ગુણ – રાતો
(3) આચાર્ય – 36 ગુણ – પીળો
(4) ઉપાધ્યાય – 25 ગુણ – લીલો
(5) સાધુ – 27 ગુણ – કાળો
(6) દર્શન – 67 ગુણ – ધોળો
(7) જ્ઞાન – 51 ગુણ – ધોળો
(8) ચારિત્ર – 70 ગુણ – ધોળો
(9) તપ – 12 ગુણ – ધોળો
સવાલ 39 – નવપદનો દેવાદિ કયા તત્વમાં સમાવેશ થાય છે ?
જવાબ 39 – પહેલાં બે પદોનો દેવતત્વમાં સમાવેશ થાય છે. પછીનાં ત્રણ પદોનો ગુરુતત્વમાં સમાવેશ થાય છે અને બાકીનાં ચાર પદોનો ધર્મતત્વમાં સમાવેશ થાય છે.
**સવાલ 40 – નવકારવાળીમાં 108 મણકા રાખવાનું કારણ શું **?
જવાબ 40 – પંચ પરમેષ્ઠીના ગુણો 108 છે. તેનું સ્મરણ કરવા માટે 108 મણકા રાખવામાં આવે છે.
મૌખિક ધોરણ 4****
**સવાલ 41 – વિહરમાન તીર્થકર એટલે શું ? ****તે કેટલા છે ? ****અને કયો કયો છે **?
જવાબ 41 – વિહરમાન તીર્થંકર એટલે વિચરતા તીર્થંકરો, તે વીશ છે, તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે.
**સવાલ 42 – સંઘ એટલે શું ? ****તે કેટલા પ્રકારનો છે ? ****અને કયો કયો છે **?
જવાબ 42 – સંઘ એટલે શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનનારાઓ અને પાલન કરનારાઓનો સમૂહ. તે ચાર પ્રકારનો છે – (1) સાધુ ભગવંત (2) સાધ્વીજી ભગવંત (3) શ્રાવક (4) શ્રાવિકા.
**સવાલ 43 – ક્ષેત્ર એટલે શું ? **અને તે કેટલાં છે ? તેનાં નામ આપો.
જવાબ 43 – ક્ષેત્ર એટલે જ્યાં ધન – ધાન્ય – વસ્ત્ર – પાત્ર વગેરે વાપરવાથી ઘણો લાભ મળે એવાં ઉત્તમ સ્થાનો. તે સાત છે. (1) જિનમંદિર (2) જિનપ્રતિમા (3) જિનાગમ (4) સાધુ ભગવંત (5) સાધ્વીજી ભગવંત (6) શ્રાવક (7) શ્રાવિકા
**સવાલ 44 – શિયળ (બ્રહ્મચર્ય) વ્રતની નવ વાડો કઇ કઇ છે **?
જવાબ 44 – (1) સ્ત્રી, પશુ, નપુસંક ન રહેતા હોય એવા સ્થાનમાં રહેવું.
(2) સ્ત્રીની સાથે રાગથી વાતો ન કરવી.
(3) સ્ત્રી જે આસને બેઠી હોય તે આસને પુરુષે બે ઘડી સુધી બેસવું નહીં. અને પુરુષ બેઠો હોય તે આસન ઉપર સ્ત્રીએ ત્રણ પહોર સુધી બેસવું નહી,
(4) સ્ત્રીનાં અંગોપાંગ રાગથી જોવાં નહિ.
(5) જ્યાં સ્ત્રી – પુરુષ સૂતાં હોય અથવા કામક્રીડાની વાતો કરતાં હોય ત્યાં ભીંત પ્રમુખને આંતરે રહેવું નહિ.
(6) સ્ત્રીની સાથે પહેલાં ભોગવેલા ભોગો સંભારવા નહિ.
(7) વિકાર ઉત્પન્ન કરે એવા ઘી, દૂધ વગેરે રસ આહાર ન કરવા.
(8) ભૂખ શાંત થાય તે કરતાં વધારે અને ભારે આહાર ન કરવો.
(9) શરીરની શોભા વગેરે ન કરવી.
સવાલ 45 – શ્રી મહાવીર પ્રભુનું ટૂંકુ જીવનચરિત્ર લખો.****
જવાબ 45 – શ્રી મહાવીર પ્રભુનો જન્મ ક્ષત્રિયકુંડ નગરમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમના ભાઇનું નામ નંદિવર્ધન, બેનનું નામ સુદર્શના, પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શના અને જમાઇનું નામ જમાલી હતું. 30 વર્ષની ઉંમરે તેમણે દીક્ષા (ચારિત્ર) ગ્રહણ કરેલ, ચારિત્ર લીધા બાદ તેમને સાડા બાર વર્ષે કેવલજ્ઞાન થયું હતું. ત્યારબાદ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તેઓ 30 વર્ષ સુધી ભરતક્ષેત્રમાં વિચરી, ધર્મનો ઉપદેશ આપી, 72 વર્ષનું આયુષ્ય ભોગવી વિક્રમ સંવતથી 470 વર્ષ પહેલાં દિવાળીની રાત્રે મોક્ષે ગયા.
**સવાલ 46 – ચોવીસમા ભગવાનનું નામ માતા- પિતાએ વર્ધમાન અને દેવતાઓએ મહાવીર શાથી પડ્યું **?
જવાબ 46 – શ્રી મહાવીર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી ધન, ધાન્ય, સંપત્તિ વગેરે વધવા લાગ્યાં. સર્વ રાજાઓ આજ્ઞામાં રહેવા લાગ્યા. આ પ્રભુના ગર્ભનો પ્રભાવ દેખી માતા- પિતાએ પ્રભુનું વર્ધમાન નામ પાડ્યું. તેમ જ બાળપણમાં આંબલી – પીપળી રમતાં દેવતાને મૂઠીનો માર મારી હરાવ્યાથી દેવતાઓએ પ્રભુનું નામ મહાવીર નામ પાડ્યું.
**સવાલ 47 – નિસીહિ એટલે શું ? ****તે કેટલી છે ? **** તે ક્યારે ક્યારે કહેવાય ? ****અને કઇ કઇ નિસીહિથી કયો કયો ત્યાગ કરવો **?
જવાબ 47 – નિસીહિ એટલે સાવદ્ય ક્રિયાનો ત્યાગ કરવો – તે ત્રણ છે.
-
દહેરાસરના મુખ્ય દ્વારમાં પ્રવેશતા – આ નિસીહિથી ઘરના તમામ કામકાજનો ત્યાગ થાય છે.
-
દહેરાસરના મુખ્ય ગભારા આગળ – આ નિસીહિથી દહેરાસર સંબંધી કામકાજનો ત્યાગ થાય છે.
-
ચૈત્યવંદન કરતાં પહેલાં – આ નિસીહિથી દ્રવ્યપૂજાનો ત્યાગ થાય છે.
સવાલ 48 – આરતિ અને મંગળદીવો શા માટે ઉતારવો ?
જવાબ 48 – આરતિ ઉતારવાથી શરીરની તથા મનની પીડા દૂર થાય છે અને મનને શાન્તિ મળે છે.
મંગળદીવો ઉતારવાથી આપણું મંગળ થાય છે અને સુખ ઉપજે છે.
સવાલ 49 – આરતિ અને મંગળદીવો કેવી રીતિએ ઉતારવો ?
જવાબ 49 – તે ડાબી બાજુએથી ઊંચે લઇ જઇને જમણી બાજુએ ઉતારવો, તેમજ તે નાભિની નીચે અને મસ્તકથી ઉપર લઇ જવો જોઇએ નહિ, ઊલટી રીતિએ ઉતારવાથી આશાતના થાય છે.
**સવાલ 50 – આવશ્યક એટલે શું ? ****તે કેટલાં છે ? ****અને કયા કયા છે **?
જવાબ 50 – આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય કરણી. તે 6 છે.
- સામાયિક (2) ચઉવીસત્થો (3) વાંદણાં (4) પડિક્કમણું (5) કાઉસ્સગ્ગ (6) પચ્ચક્ખાણ
મૌખિક ધોરણ - 5****
**સવાલ 51 – 6 આવશ્યકનો અર્થ સમજાવો. પ્રતિક્રમણમાં તે ક્યાંથી કયાં સુધી ગણાય છે **?
જવાબ 51 – (1) સામાયિક – જેનાથી સમતાનો લાભ થાય તે પહેલું આવશ્યક. તે દેવસિ પ્રતિક્રમણ ઠાયા પછી કરેમિભંતેથી પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કરીએ ત્યાં સુધી ગણાય છે.
-
ચઉવીસત્થો – લોગસ્સ : જેમાં ચોવીસ ભગવાનનાં નામોનું સ્મરણ થાય છે તે બીજું આવશ્યક. તે પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કર્યા પછી લોગસ્સ કહીએ છીએ તે ગણાય છે.
-
વાંદણાં – જેમાં ગુરુ મહારાજને વંદન કરવામાં આવે છે તે ત્રીજું આવશ્યક, તે ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવાય છે ત્યાં સુધી ગણાય છે.
-
પ્રતિક્રમણ – જેમાં લાગેલા પાપોનો પશ્ચાત્તાપ કરી માફી માંગવામાં આવે છે તે ચોથું આવશ્યક. ઇચ્છાકારેણ દેવસિઅં આલોઉઁ થી આયરિય ઉવજ્જાએ સુધીનું ગણાય છે.
-
કાઉસ્સગ્ગ – મન, વચન અને કાયાની એકાગ્રતા થાય તે પાંચમું આવશ્યક. તે આયરિય ઉવજ્ઝાએ પછી આવતા બે લોગસ્સ અને એક લોગસ્સના કાઉસ્સગ્ગ સુધી ગણાય છે.
-
પચ્ચક્ખાણ – અવિરતપણાનો ત્યાગ જેમાં થાય તે છટ્ઠું આવશ્યક, પચ્ચક્ખાણ કરાય છે તે.
**સવાલ 52 – વ્યસન એટલે શું ? ****તે કેટલાં છે ? ****કયા – કયા **?
જવાબ 52 – વ્યસન એટલે જીવને આ ભવ અને પરભવમાં દુ:ખ આપનારી ભયંકર કુટેવો. તે સાત છે.
- જુગાર રમવો. (2) માંસ ખાવું (3) દારુ પીવો (4) પરસ્ત્રી સાથે સંગ કરવો. (5) વેશ્યાનો સંગ કરવો. (6) ચોરી કરવી. (7) શિકાર કરવો.
**સવાલ 53 – સાથિયો શા માટે કરવો જોઇએ **?
જવાબ 53 – ચાર ગતિનો નાશ કરવા માટે સાથિયો કરવો જોઇએ.
**સવાલ 54 – ગતિ કેટલી છે ? **અને તે કઇ કઇ છે ?
જવાબ 54 – ગતિ ચાર છે. (1) દેવગતિ (2) મનુષ્ય ગતિ (3) તિર્યંચગતિ (4) નરક ગતિ
**સવાલ 55 – સાથિયા ઉપરની ત્રણ ઢગલીને શું કહેવાય **?
જવાબ 55 – રત્નત્રયી કહેવાય.
સવાલ 56 – રત્નત્રયીના નામ આપો.****
જવાબ 56 – (1) જ્ઞાન (2) દર્શન (3) ચારિત્ર
**સવાલ 57 – સાથિયા ઉપરથી ત્રણ ઢગલી ઉપર અર્ધચંદ્ર જેવો આકાર કરીએ છીએ તે શું કહેવાય **?
જવાબ 57 – સિદ્ધશિલા કહેવાય.
સવાલ 58 – સાથિયો કરીને શું બોલવું ?
જવાબ 58 – હે પ્રભુ ચાર ગતિમાંથી છૂટવા દર્શન – જ્ઞાન – ચારિત્રની આરાધના કરી સિદ્ધશિલા ઉપર પહોંચવા શક્તિમાન કરો.
સવાલ 59 – શ્રી મહાવીર પ્રભુનાં બીજા નામ આપો.
જવાબ 59 – વીર, વર્ધમાન, ચરમજિન, સિદ્ધાર્થ નંદન, જ્ઞાતપુત્ર વગેરે.
સવાલ 60 – ગુરુ મહારાજનાં બીજા નામ આપો.
જવાબ 60 – સાધુ, મુનિ, શ્રમણ, નિર્ગ્રંથ, અણગાર, તપસ્વી, સંયમી વગેરે.
મૌખિક ધોરણ – 6****
સવાલ 61 – પૂજાના મુખ્ય કેટલા ભેદ છે ?** અને કયા કયા **?
જવાબ 61 – પૂજાના બે ભેદ છે. (1) દ્રવ્યપૂજા (2) ભાવપૂજા
**સવાલ 62 – દ્રવ્યપૂજા અને ભાવપૂજા એટલે શું **?
જવાબ 62 – દ્રવ્યપૂજા એટલે જલ – ચંદન – પુષ્પાદિ સામગ્રી વડે પ્રભુની પૂજા કરવી તે અને ભાવપૂજા એટલે ચૈત્યવંદન તથા પ્રભુના ગુણગાન આદિ કરવા તે.
**સવાલ 63 – દ્રવ્યપૂજા કેટલા પ્રકારની છે **?
જવાબ 63 – દ્રવ્યપૂજા પાંચ, આઠ, સત્તર, એકવીસ અને એકસો આઠ પ્રકારની છે.
સવાલ 64 – ભાવપૂજા કેટલા પ્રકારની છે?
જવાબ 64 – ચૈત્યવંદન કરવું, સ્તુતિ બોલવી, ગીત, નૃત્ય, ભાવના ભાવવી વગેરે અનેક પ્રકારે છે.
સવાલ 65 – અષ્ટપ્રકારી પૂજાના નામ આપો.
જવાબ 65 – (1) જલપૂજા (2) ચંદનપૂજા (3) પુષ્પપૂજા (4) ધૂપપૂજા (5) દીપકપૂજા (6) અક્ષતપૂજા (7) નૈવેદ્યપૂજા (8) ફળપૂજા
સવાલ 66 – દ્રવ્યપૂજાના મુખ્ય કેટલા ભેદ છે ?** કયા કયા **?
જવાબ 66 – બે ભેદ છે. (1) અંગપૂજા (2) અગ્રપૂજા
**સવાલ 67 – અંગપૂજા એટલે શું ? અને કઇ કઇ પૂજા અંગપૂજામાં ગણાય છે **?
જવાબ 67 – અંગપૂજા એટલે શુદ્ધ વસ્તુઓ વડે પ્રભુના શરીરે પૂજા થાય તે. પહેલી ત્રણ (1) જલપૂજા (2) ચંદનપૂજા (3) પુષ્પપૂજા અંગપૂજામાં ગણાય છે.
**સવાલ 68 – અગ્રપૂજા એટલે શું ? કઇ કઇ પૂજા અગ્રપૂજામાં ગણાય છે **?
જવાલ 68 – અગ્રપૂજા એટલે પ્રભુની સામે રહી પૂજા થાય તે, છેલ્લી પાંચ પૂજાઓ અગ્રપૂજાઓમાં ગણાય છે. (4) ધૂપપૂજા (5) દીપકપૂજા (6) અક્ષતપૂજા (7) નૈવેદ્યપૂજા (8) ફળપૂજા
**સવાલ 69 – પંચામૃત એટલે શું **?
જવાબ 69 – દૂધ – દહીં – ઘી – સાકર અને પાણી
સવાલ 70 – જળપૂજા એટલે શું ?
જવાલ 70 – જળપૂજા એટલે પ્રથમ પંચામૃતથી પ્રભુને અભિષેક કરી પછી પાણીથી પ્રક્ષાલ કરવો તે.
**સવાલ 71 – ચંદનપૂજા એટલે શું **?
જવાબ 71 – ચંદનપૂજા એટલે કેસર, સુખડ, બરાસ, કસ્તૂરી વગેરેથી પ્રભુની પૂજા કરવી તે.
**સવાલ 72 – પુષ્પપૂજા એટલે શું **?
જવાબ 72 – પુષ્પપૂજા એટલે સુગંધી – રંગબેરંગી અને ભાતભાતનાં ઉત્તમ ફૂલો પ્રભુને ચઢાવવાં તે.
**સવાલ 73 – ધૂપપૂજા એટલે શું **?
જવાબ 73 – ધૂપપૂજા એટલે પ્રભુની સામે ઉભા રહીને દશાંગ – કપૂર અગરબત્તી – ચંદન વગેરેનો ધૂપ કરવો તે.
**સવાલ 74 – દીપકપૂજા એટલે શું **?
જવાબ 74 – પ્રભુની સામે ઉભા રહીને આરતિ - મંગળદીવો ઉતારવો તે અથવા પ્રભુની આગળ દીપક ધરવો તે.
**સવાલ 75 – અક્ષતપૂજા એટલે શું **?
જવાબ 75 – અક્ષતપૂજા એટલે પ્રભુની સામે ચોખાનો સાથિયો કરવો તે.
સવાલ 76 – નૈવેદ્યપૂજા એટલે શું ?
જવાબ 76 – નૈવેદ્યપૂજા એટલે સાથિયા ઉપર પતાસું**, **સાકર, પેંડા, બરફી, વગેરે મૂકવું તે.
સવાલ 77 – ફળપૂજા એટલે શું ?
જવાબ 77 – ફળપૂજા એટલે સિદ્ધશિલા ઉપર શ્રીફળ, બદામ, સોપારી, નારંગી, મોસંબી, કેરી, જામફળ વગેરે મૂકવા.
**સવાલ 78 – દેવગતિ અને મનુષ્યગતિમાં કોણ જાય **?
જવાબ 78 – જે જીવ દાન, શીલ, તપ, ભાવના, જિનપૂજા, સામાયિક વગેરે ઉત્તમ કાર્યો કરે તે.
**સવાલ 79 – તિર્યંચગતિમાં કોણ જાય **?
જવાબ 79 – હ્યદયમાં આંટી – ઘૂંટી રાખનારા, ઠગાઇ કરનાર, પ્રપંચી, શલ્યવાળા વગેરે તિર્યંચગતિમાં જાય.
**સવાલ 80 – નરકગતિમાં કોણ જાય **?
જવાબ 80 – જે મનુષ્ય અગર તિર્યંચ ઘણા ભયંકર પાપ કરે તે નરકમાં જાય. જેમકે પંચેન્દ્રિય પ્રાણીનો વધ કરે, માંસાહાર વગેરે કરે તે.
**મૌખિક ધોરણ 7 ******
સવાલ 81 – શ્રી જિનેશ્વર ભગવાને ધર્મ કેટલા પ્રકારે કહ્યો છે**?**
જવાબ 81 – શ્રી જિનેશ્વર ભગવાને ધર્મ બે પ્રકારે કહ્યો છે. (1) સાધુ ધર્મ (2) શ્રાવક ધર્મ
સવાલ 82 – પ્રભુના દર્શન કરવાથી શો લાભ થાય છે**?**
જવાબ 82 – પ્રભુ અઢાર દૂષણોથી રહિત અને સર્વ ગુણોએ સહિત છે. તેથી તેમના દર્શન કરવાથી આપણો આત્મા તેમના તરફ વળે છે. દોષો જતાં રહે છે. અને ગુણો પ્રગટ થાય છે. ટૂંકાણમાં પ્રભુનાં દર્શન કરવાથી પ્રભુ જેવા ગુણો આવે અને દોષો જતા રહે છે.
સવાલ 83 – કલ્યાણક એટલે શું ?** અને તેનાં નામ આપો.******
જવાબ 83 – કલ્યાણક એટલે કલ્યાણ કરનારા દિવસો. અર્થાત્ જે દિવસોમાં તીર્થંકર પરમાત્મા દેવગતિમાંથી કે નરકગતિમાંથી ચ્યવી માતાની કુક્ષિમાં આવે, જન્મ પામે, દીક્ષા લે, કેવળજ્ઞાન પામે અને મોક્ષે જાય તે પવિત્ર દિવસો. (1) ચ્યવન (2) જન્મ (3) દીક્ષા (4) કેવળજ્ઞાન (5) મોક્ષ આ પાંચ કલ્યાણક છે.
**સવાલ 84 – શ્રી મહાવીર પ્રભુનાં પાંચ કલ્યાણક ક્યારે ક્યારે થયાં **?
જવાબ 84 – ચ્યવન કલ્યાણક – અષાઢ સુદ 6
-
જન્મ કલ્યાણક – ચૈત્ર સુદ 13
-
દીક્ષા કલ્યાણક – કારતક વદ 10
-
કેવળજ્ઞાન કલ્યાણક – વૈશાખ સુદ 10
-
મોક્ષ કલ્યાણક – આસો વદ અમાસ
**સવાલ 85 – ત્રેસઠ શલાકા પુરુષ કયા કયા **?
જવાબ 85 – 24 તીર્થંકર, 9 વાસુદેવ, 9 બળદેવ, 9 પ્રતિવાસુદેવ, 12 ચક્રવર્તી
**સવાલ 86 – વધુમાં વધુ અને ઓછામાં ઓછા તીર્થંકરો, કેવલજ્ઞાનીઓ અને સાધુઓ કેટલી સંખ્યામાં વિચરે **?
જવાબ 86 – વધુમાં વધુ તીર્થંકરો 170, કેવલજ્ઞાનીઓ 9 ક્રોડ અને સાધુઓ 9 હજાર કરોડ (90 અબજ) વિચરે, ઓછામાં ઓછા તીર્થંકરો 20, કેવળજ્ઞાનીઓ 2 ક્રોડ અને સાધુઓ બે હજાર ક્રોડ (20 અબજ) વિચરે.
**સવાલ 87 – ત્રણેય લોકમાં શાશ્વતાં દહેરાસરો કેટલાં છે **?
જવાબ 87 – 8,57,00,282 (આઠ ક્રોડ સત્તાવન લાખ, બસો બ્યાંસી)
**સવાલ 88 – ત્રણેય લોકમાં શાશ્વતી પ્રતિમાઓ કેટલી છે **?
જવાબ 88 – 15,42,58,36,080 (પંદર અબજ, બેતાલીશ ક્રોડ, અટ્ઠાવન લાખ, છત્રીશ હજાર, એંશી)
**સવાલ 89 – થોય – જોડાની દરેક ગાથામાં કોની કોની સ્તુતિ હોય છે **?
જવાબ 89 – પહેલી ગાથામાં જે મુખ્ય ભગવાનની થોય હોય તે ભગવાનની, બીજી ગાથામાં સર્વ શ્રી જિનેશ્વર ભગવાનની, ત્રીજી ગાથામાં જ્ઞાનની અને ચોથી ગાથામાં શાસનના અધિષ્ઠાયક દેવ- દેવીઓની સ્તુતિ હોય છે.
સવાલ 90 – મુહપત્તિ, ચરવળો, કટાસણું એટલે શું ? અને તે કેટલા માપનું હોય છે**?**
જવાબ 90 – મુહપત્તિ એટલે સામાયિક, પ્રતિક્રમણ આદિમાં બોલતી વખતે મોં આગળ રાખવાનું કપડું. તે એક વેંત અને ચાર આંગળનું હોય છે.
ચરવળો એટલે જતાં – આવતાં – બેસતાં – ઉઠતાં જીવરક્ષા કરવાનું સાધન. તે બત્રીસ આંગળનો હોય છે. તેની ગણતરી ચોવીસ આંગળની દાંડી અને આઠ આંગળની દશીઓની હોય છે.
કટાસણું એટલે બેસવા માટેનું ગરમ આસન. તે એક ગજનું હોય છે. ત્રણ ઉપકરણો જીવરક્ષા માટે રાખવામાં આવે છે.

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)
Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)

Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)
Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)